24 hadiths
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચ અલ્લાહ તઆલાએ કહ્યું: હું મારા બંદાઓના અનુમાન પ્રમાણે હોવ છું, જે તે મારાથી રાખે છે, અને જ્યારે તે મને યાદ કરે છે તો હું તેની સાથે હોવ છું, જો તે મને પોતાનાં નફસ (દિલ)માં યાદ કરે છે, તો હું પણ તેને મારા નફસ (દિલ)માં યાદ કરું છું, અને જો તે મને કોઈ મજલિસમાં યાદ કરે, તો હું તેને એક એવી મજલિસમાં યાદ કરું છું, જે તેનાથી શ્રેષ્ઠ છે, અને જો તે એક વેંત બરાબર મારી નજીક આવે છે, તો હું એક હાથ બરાબર તેની નજીક આવું છું, અને જો તે બે હાથ મારી નજીક આવે છે, તો હું બંને હાથ ફેલાવ્યા બરાબર તેની નજીક આવું છું અને જો તે ચાલી ને મારી પાસે આવે છે તો હું દોડી ને તેની પાસે આવું છું».મુત્તફકુન્ અલયહિ
અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺ પોતાના બરકત વાળા અને મહાન પાલનહારથી રિવાયત કરે છે, કે અલ્લાહ તઆલાએ કહ્યું: «હે મારા બંદાઓ ! મેં મારા પર જુલમ (અત્યાચાર) કરવાને હરામ કરી દીધું છે અને મેં તેને તમારી વચ્ચે પણ હરામ કરી દીધું છે, બસ ! તમે એકબીજા પર અત્યાચાર ન કરો, હે મારા બંદાઓ ! તમે સૌ ગુમરાહ (પથભ્રષ્ટ) છો, તે લોકો સિવાય જેમને હું હિદાયત આપી દઉં, બસ ! મારી પાસે જ હિદાયત માંગો, હું તમને હિદાયત આપીશ, હે મારા બંદાઓ ! તમે સૌ ભૂખ્યા છો, તે લોકો સિવાય જેમને હું ખાવાનું આપી દઉં, બસ તમે સૌ મારી પાસે જ ખાવાનું માંગો, હું જ તમને ખવડાવીશ, હે મારા બંદાઓ ! તમે સૌ નગ્ન છો, તે લોકો સિવાય જેમને હું પોશાક પહેરાવી દઉં, બસ ! તમે મારી પાસે જ પોશાક માંગો, હું તમને પોશાક પહેરાવીશ, હે મારા બંદાઓ ! તમે રાત- દિવસ ગુનાહ કરો છો અને હું બધા જ ગુનાહોને માફ કરું છું, બસ તમે મારી પાસે જ માફી માંગો, હું તમને માફ કરી દઈશ, હે મારા બંદાઓ ! તમે મારા નુકસાન સુધી નથી પહોંચી શકતા કે તમે મને નુકસાન પહોંચાડી શકો અને ન તો તમે મારા ફાયદા સુધી પહોંચી શકો છો કે તમે મને ફાયદો પહોંચાડી શકો (અર્થાત્ તમે મને નુકસાન અથવા ફાયદો પહોંચાડવાની શક્તિ નથી ધરાવતા), હે મારા બંદાઓ ! જો તમારો પહેલો અને છેલ્લો, તમારા માંથી બધાં માનવીઓ અને જિન્નાત, બધા જ એવા વ્યક્તિ જેવા થઈ જાય, જેના હૃદયમાં અલ્લાહનો ડર હોય છે, તો તે વાત મારી બાદશાહતમાં સહેજ પણ વધારો નથી કરી શકતી, હે મારા બંદાઓ ! તમારો પહેલો અને છેલ્લો, તમારા માંથી બધાં માનવીઓ અને જિન્નાત, એવા વ્યક્તિ જેવા થઈ જાય, જે તમારામાં સૌથી વધારે વિદ્રોહી તેમજ ગુનેગાર હોય, તો એ વાત મારી બાદશાહતમાં કંઈ પણ ઘટાડો નથી કરી શકતી, હે મારા બંદાઓ ! જો તમારા પહેલા અને છેલ્લા, માનવીઓ તેમજ જિન્નાતો બધા એક ખુલ્લા મેદાનમાં ભેગા મળી, મને સવાલ (ઈચ્છા પ્રમાણે માંગણી) કરે અને હું દરેકને તેમના સવાલ પ્રમાણે આપી દઉં, તો તેનાથી મારા ખજાનામાં એટલો જ ઘટાડો થશે, જેટલો કે સમુદ્રમાં એક સોઈ ડુબાડીને કાઢી લેવાથી સમુદ્રના પાણીમાં થાય છે, હે મારા બંદાઓ ! ખરેખર તમારા કાર્યો છે, જેને હું ગણીને રાખું છું, પછી તમને તેનો સંપૂર્ણ બદલો આપું છું, બસ ! જેઓ ભલાઈ પ્રાપ્ત કરી લે તેઓ અલ્લાહની પ્રસંશા કરે અને જે લોકો તે સિવાયનું જુએ તો તેઓ પોતાને જ મલામત કરે».આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: જે વ્યક્તિ મારા કોઈ વલી સાથે દુશ્મની કરશે, તો તેની વિરુદ્ધ હું યુદ્ધનું એલાન કરું છે, અને મારો બંદો જે બાબતો દ્વારા મારી નિકટતા પ્રાપ્ત કરે છે તેમાંથી મને સૌથી વધુ પ્રિય તે બાબત છે, જે મેં તેના પર ફરજ કરી છે, મારો બંદો નફિલ કાર્યો વડે મારી નિકટતા પ્રાપ્ત કરતો રહે છે, અહીં સુધી કે હું તેની સાથે મોહબ્બત કરવા લાગુ છું, અને જ્યારે હું તેની સાથે મોહબ્બત કરું છું, તો તેના પરિણામરૂપે હું તેનો કાન બની જાઉં છું, જેના વડે તે સાંભળે છે, હું તેની આંખો બની જાઉં છું, જેના વડે તે જુએ છે, અને તેનો હાથ બની જાઉં છું, જેના વડે તે સ્પર્શ કરે છે, અને તેના પગ બની જાઉં છું, જેના વડે તે ચાલે છે, જો તે મારી પાસે કોઈ વસ્તુનો સવાલ કરે છે તો હું જરૂર તેને આપું છું, અને જો કોઈ વસ્તુથી મારી પાસે પનાહ માંગે છે તો હું તેને જરૂર આશરો આપું છું, મને કોઈ કાર્ય કરવામાં એટલી ખચકાટ નથી, જેટલું મને એક મોમિનના પ્રાણ લેતી વખતે થાય છે, જે મોતને નાપસંદ કરે છે, અને મને તેને દુ:ખ આપવું નાપસંદ છે».આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે